Tuesday, September 8, 2015

શિક્ષક દિન વિશેષ - એક ખાસ શિક્ષિકા


વર્ષો પહેલા જોન હોપકિન્સના એક અધ્યાપકે સ્નાતક વિદ્યાર્થીઓને એક કામ સોંપ્યું : ઝૂંપડપટ્ટીમાં જવાનું. તેમણે ફરમાન કર્યું  - ૧૨ થી ૧૬ વર્ષના ૨૦૦ છોકરાઓને  લો અને તેમના પરિસર અને પશ્ચાદ્ભૂમિની તપાસ કરો. પછી એના આધારે તેમના ભવિષ્ય અંગે આગાહી કરો.
વિદ્યાર્થીઓએ ગહન અભ્યાસ અને બાળકો સાથે વાતચીત બાદ આંકડા તારવ્યા અને સૂચવ્યું કે ઝૂંપડપટ્ટીના ૯૦ ટકા બાળકો ઓછામાં ઓછી એક વાર જેલમાં જશે.
પચ્ચીસ વર્ષ બાદ વિદ્યાર્થીઓના અન્ય એક જૂથને એ અભ્યાસ અને આગાહી કેટલા સાચા પુરવાર થયા છે તેની ચકાસણી સોંપાઈ. તેઓ પાછા એ જ વિસ્તારમાં ગયાં. પેલા છોકરાઓમાંના મોટા ભાગના આધેડ વયના પુરુષ બની ચૂક્યાં હતાં. કેટલાક ત્યાં જ હતાં,કેટલાક મરી ગયા હતાં, કેટલાક બીજે ક્યાંક ચાલ્યા ગયા હતાં. પણ મૂળ ૨૦૦ માંથી ૧૮૦ નવા વિદ્યાર્થીઓના જૂથના સંપર્કમાં આવ્યાં. આશ્ચર્યની વાત એ જાણવા મળી કે તેમાંના માત્ર ચાર જ જેલમાં ગયાં હતાં.
આમ શા માટે બન્યું? ગુનાઓથી ખદબદતી એ વસ્તીમાં રહેવા છતાં એ બાળકોનો રેકોર્ડ આટલો સારો કઈ રીતે રહી શક્યો? સંશોધનના આધારે જાણવા મળ્યું કે આમ એક શિક્ષિકાના કારણે બનવા પામ્યું હતું. સઘન તપાસ કરતાં માલૂમ પડ્યું કે ૭૫ ટકા બાળકોના કેસમાં એક જ સામાન્ય શિક્ષિકા બાળકોના સારા રેકોર્ડ માટે જવાબદાર હતી. સંશોધકો નિવૃત્ત શિક્ષકો માટેના ગૃહમાં રહેતી એ શિક્ષિકા પાસે ગયાં. તેમણે તેને પૂછ્યું કે કઈ રીતે ઝૂંપડપટ્ટીમાં રહેતા એ ગરીબ બાળકો પર તે આટલો સારો નોંધનીય પ્રભાવ પાડી શકી? શું તે જાણતી હતી કે કયા કારણસર આટલા વર્ષો બાદ પણ એ બાળકોને પોતાની એ શિક્ષિકા યાદ હતી? તેણે જવાબ આપ્યો,"ના,મને ખરેખર એની ખબર નથી."
...અને પછી તે, બધાં પાછલાં વર્ષોની મધુર સ્મૃતિઓને વાગોળતી જાણે એ પ્રશ્નનો જવાબ આપવા કરતાં વધુ પોતાની જાતને કહી રહી ,"હું એ બાળકોને કેટલું બધું ચાહતી હતી..."

('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 29, 2015

વાંદરો અને લાકડાનાં સફરજન


એક જંગલ હતું.તેમાં એક વાંદરો રહેતો હતો.મજાનું હતું એનું જીવન! સુખેથી અહિતહિ ભટકતા મન ફાવે ત્યારે તે સ્વાદિષ્ટ ફળો આરોગતો અને થાકી જાય ત્યારે ધરાઈને આરામ કરતો! એક દિવસ રખડતા રખડતા તે એક ઝૂંપડા પાસે આવી ચડ્યો. કુતૂહલવૃત્તિ તેને ઝૂંપડામાં અંદર દોરી ગઈ અને તેણે ત્યાં એક ટેબલ પર સરસ મજાના વાટકામાં અત્યાર સુધી ક્યારેય જોયા નહોતા એવા સુંદર લાલ સફરજન જોયાં! તેણે બંને હાથમાં એક-એક સફરજન ઉપાડ્યું અને જંગલમાં પોતાના ઘર ભણી દોટ મૂકી.

 હવે ઠીક ઠીક દૂર પહોંચી ગયા બાદ તેણે એ સફરજન સૂંઘવાનો પ્રયત્ન કર્યો પણ તેમાંથી જરાયે સુગંધ આવી નહિ, તેણે સફરજન ખાવાનો પ્રયત્ન કર્યો પણ એમ કરતાં તેના દાંત ને ઇજા પહોંચી પણ સફરજન તો તૂટ્યું જ નહિ! એ સફરજન લાકડાના બનેલા હતાં.એ ખુબ સુંદર દેખાતા હતાં.જ્યારે એણે અન્ય વાંદરાઓને  જોયા ત્યારે તેણે પોતાના હાથમાં રહેલા સફરજન પરની ભીંસ ઓર વધારી દીધી.

સૂંઘી કે ખાઈ શકતો ન હોવા છતાં તે પોતાના આ નવા ફળોને અભિમાનથી લઈ આખા જંગલમાં ફરતો હતો.તે તડકામાં ચળકતાં અને તેમનો લાલચટ્ટક રંગ જોઇ વાંદરો મનમાંને મનમાં પોરસાતો.તે એ લાકડાનાં સફરજન પાછળ એટલો મોહાંધ થઈ ગયો હતો કે તેને ભૂખતરસનું પણ ભાન રહ્યું નહિ.

રસ્તામાં એક સાચા ફળોથી લદાયેલું વૃક્ષ આવ્યું જેને જોઈ વાંદરાને ભૂખ લાગી છે એવી લાગણી થઈ પણ તેના બંને હાથમાં તો તેને મન અતિ મૂલ્યવાન એવા તેનાં પેલા બે લાકડાનાં સફરજન હતાં!એ નીચે મૂકીને સાચા ફળ તોડવા કઈ રીતે જવાય?હવે તે થાકી ગયો હતો,ભૂખને કારણે અશક્ત બની ગયો હતો પણ તે આરામ કરી કે પામી શક્યો નહિ કારણ તેણે સતત પોતાના પ્રાણપ્યારા નવા સફરજનોનું ધ્યાન રાખવાનું હતું ને?અભિમાની બનેલો વાંદરો ઓછો સુખી અને અજંપ બની જંગલમાં ભટકી રહ્યો હતો.

હવે સમય પસાર થતો ગયો તેમ તેમ તેને સફરજન ભારે લાગવા માંડ્યા અને એક સમયે તેને એવો વિચાર આવ્યો કે તે સફરજન છોડી દે.તે થાકી ગયો હતો,ભૂખ્યો થયો હતો અને અશક્તિને કારણે તેમજ બંને હાથમાં સફરજન પકડેલા હોવાથી ઝાડ પર સાચા ફળ તોડવા પણ જઈ શકતો નહોતો.જો એ સફરજન છોડી દે તો શું થાય? આવી મૂલ્યવાન વસ્તુઓ ત્યાગી દેવાનું તેને જરા પણ મન થતું નહોતું પણ હવે તેની ધીરજનો અંત આવી ગયો હતો.તેના થાકની ચરમસીમા આવી ગઈ હતી.જેવું ફરી એક સાચા ફળોનું ઝાડ દેખાયું કે તેણે લાકડાનાં સફરજનો ફેંકી દઈ એ ઝાડ ભણી દોટ જ મૂકી!તેણે ધરાઈને ફળો ખાધાં અને હવે તે ફરી સુખી થઈ ગયો હતો.

******

આ નાનકડા વાંદરાની જેમ જ આપણે મનુષ્યો પણ ઘણી બિનજરૂરી વસ્તુઓનો ભાર નથી વેંઢારતા? એ ચીજવસ્તુઓને - તેમના મોહને આપણે છોડી નથી શકતા. માણસ પોતાની જાતના આભાસી "ઉત્પાદક" ચિત્રનો ભાર હંમેશા લઈને ફરતો રહે છે, પેલા લાકડાનાં સફરજનની જેમ. પણ વાસ્તવિક રીતે તેની વ્યસ્તતા તેને થકવી નાંખે છે અને વધુ સારા જીવન માટે સદાયે ભૂખ્યો રાખે છે. 'જતું કરો'ની વૃત્તિ એ અપનાવી શકતો નથી. તેની ચિંતાઓ પણ લાકડાનાં સફરજન જેવી જ છે જેનો ભાર લઈને તે આખો દિવસ ફર્યા કરે છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 22, 2015

એક ગામડીયાનો ફેસબુક પ્રોફાઈલ


[ આ કૃતિના મૂળ લેખકની તો જાણ નથી પણ મને એમાં વપરાયેલી ભાષા ખુબ રસપ્રદ લાગી એટલે એનો રસાસ્વાદ આજે ઇન્ટરનેટ કોર્નર થકી તમને સૌને પણ કરાવવા આ લેખ અહિ રજૂ કર્યો છે. ]

ઝાઝી બઉ હમજણ્યો પડે નહી પણ આ એક ભેરુ બન્ધે કીધુ કે ઓલા અવે તો આપણા જીવા એ ફેસબુક પર પ્રોફાઇલુ મેલી સે તે મુને ઇ થ્યુ કે લાય ને મ્હુ એ મારી પ્રોફાઇલ બનાઇ કાઢુ...
 

ઓમ તો હું ચાર ચોપડી ભણેલો તીજા મોં બે વાર ફેલ થયેલો

પણ અક્કલ મોં બઉ..... હીસાબ કરતાં પાકુ આવડે....

ઓમ તો ભોરીયો ય બઉ પણ કોક અવરી વાત કરે તો મારા જેવો

ભુંડો ય કોઇ નઇ...... ભલ ભલા ના ભુક્કા કાઢી નાખું......

"પાઇ ની પેદાશ નઇ ને ઘડીક ની નવરાશ નઇ"

હત-પતિયો બઉ... જરાય હખણો નો બેહે

આવુ બધું કૈક મારા દાદા મારા વિશે કહેતા હતા

મારો ધરમ અને કરમ બેઉ એક માત્ર "માનવતા"

ન્યાત જાત મા માનતો નથી. દંભ, અભિમાન,

આડંબર,પર્સનાલીટી,ઇગો, ફોર્માલીટી એવુ બધુ

આપણા મો ના મલે અને એમો મોનવાવારા લોકો

હારે મને ફાવતું નથી

શેર, શાયરી, કવિતાઓ અને ગઝલ નો હું ચાહક છું

મને મોકલતા રહેશો ખુબ..ગમશે અને તે થકી તથા

હાસ્યકારક રચના ઓ જોક્સ વગેરે મોકલતાં અથવા

મેળવતાં કોઇએ "બંધ-બેસતી" પાઘડી પહેરવી નહીં

મારી હારે મઝાક મસ્તી ગમ્મત કરો મોજ કરો કોઇને

મારી ઠેકડી ઉડાવી ને મોજ મળે તો પણ મને આનંદ

થાસે પણ મારા થકી કોઇ નુ દિલ દુભાય તે મને

નથી ગમતુ મારા થી કોઇ નુ દિલ દુભાય તો મને રડવું આવી જાય આમ બહુ પોચા દિલ નો છું

કોઇ આપણી જોડે વધારા નો ભાવ ખાય તો તેની

કીંમત આપણી જોડે કોડી ની થઇ જાય કેમ કે

આપણે તડ ને ફડ વાળા માણહ

હું અભિમાની નથી પણ મને મારું સ્વાભિમાન ખુબ વહાલું છે.


('ઈન્ટરનેટ પરથી')