Showing posts with label 'fathers day'. Show all posts
Showing posts with label 'fathers day'. Show all posts

Sunday, June 18, 2017

ફાધર્સ ડે સ્પેશિયલ

આવતી કાલે ફાધર્સ ડે છે. સંતાનના ઘડતરમાં પિતાનું યોગદાન પણ માતા જેટલું હોય છે , દર્શાવતો અને પિતાનું મહત્વ સમજાવતો લેખ વાચકમિત્ર રોહિત કાપડિયાએ લખ્યો છે અને શેર કર્યો છે. વાંચી તમારા પિતાને ફાધર્સ ડે વિશ કરવાનું અને તેમને વિશેષ અનુભવની લાગણી કરાવવાનું ચૂકશો નહિ.
સમજણો  થયો ત્યારે ખબર પડી કે મને રાજકુમારની જેમ ઉછેરવા મારાં પપ્પા ખુદ કંગાળ અને તકલીફોથી ભરેલું જીવન જીવ્યાં હતાં.મેં પૂંછયું "પપ્પા,તમે આવું કેમ કર્યું ?મારા માટે તો તમારો પ્રેમ બસ હતો." પપ્પાએ હસીને કહ્યું "બેટા,શૈશવનાં સંસ્મરણો જીવનભરનો અમૂલ્ય ખજાનો હોય છે.હું તારાં ખજાનાને ફૂટી કોડીઓથી નહીં પણ સોનામહોરોથી છલકાવવા માંગતો હતો.તું ખુશ છે ને ? ને,હાં !તારી ખુશીથી મને મળેલાં આત્મસંતોષની કિંમત પણ જરા ઓછી નથી." છે પિતાનો ત્યાગ, પિતાનો પ્રેમ.
                માતાનાં પ્રેમ વિષે જે લખાયું છે તેની સરખામણીએ પિતાનાં વિષે ઘણું ઓછું લખાયું છે.માતા નવ મહિના પ્રસવનો ભાર વહન કરે છે,અને સંતાનને જન્મ આપ્યા પછી પિતાનું નામ આપી દે છે.તેનાં ત્યાગને કારણે પિતાએ હમેંશા પરદા પાછળ રહેવાનું પસંદ કર્યું છે. બાકી તો પિતાનો પ્રેમ,પિતાની લાગણી,પિતાની સંવેદના માતા જેટલી હોય છે.માતા માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ આપે છે તો પિતા પ્રેમની સાથે થોડી સખતાઈ પણ રાખે છે.સંતાનની જિંદગીને સક્ષમ બનાવવા પ્રેમની સાથે કરડાકીનો  તકલાદી બુરખો પહેરીને પિતા જીવે છે.માતા સતત સંતાનનું દયાન રાખે છે ને એને પંપાળે છે .તો પિતા એનું દયાન રાખતાં ક્યારેક થપ્પડ મારે છે ને પછી પંપાળે છે.માતા સતત એનું સંતાન પડી જાય,એને વાગી જાય તેનું દયાન રાખે છે તો પિતા ક્યારેક એને પડવા પણ દે છે અને પછી પાછાં ઉભાં થતાં પણ શીખવે છે .માતા હાથમાં તેડે છે, પિતા આંગળી પકડીને ચલાવે છે.માતા હાલરડાં ગાઈને સૂવાડે છે,પિતા આંખોમાં સપનાઓ જગાવે છે..માતા સંસ્કાર આપે છે તો પિતા સાચી સમજ આપે છે.પોતાના સંતાનોની ખુશીને માટે કાળી મજૂરી કરતા અને રાતોનાં ઉજાગરા કરતાં પિતા ક્યારે પણ વાતની ચર્ચા નથી કરતાં.સંતાનોની ઈચ્છા પૂરી કરવા પિતા પોતાની ઈચ્છાઓનું ગળું દબાવી દે છે.સંતાનની પ્રગતિમાં પોતાનું સુખ મેળવી લે છે. દુનિયામાં પિતા એક એવું પાત્ર છે કે જે ઇચ્છે છે કે એનો પુત્ર એનાથી પણ વધુ આગળ વધે.
                એક વિશ્વ વિખ્યાત શિલ્પી હતાં.પાષાણને એમનાં ટાંકણાનો સ્પર્શ થતાં એમાં પ્રાણ પૂરાઈ જતો.મોરનાં ઈંડાને ચિતરવા પડે, મુજબ એમનો પુત્ર પણ નાનપણથી કળામાં પારંગત થતો ગયો.પુત્રનાં હાથમાં પણ ગજબનો જાદુ હતો.એની આંખોને ખરબચડા અને ચિત્ર-વિચિત્ર આકારવાળા પત્થરોમાં પ્રતિમાનાં દર્શન થતાં.અને પાષાણને બેનમૂન શિલ્પમાં પરિવર્તિત કરી નાખતો.આખી દુનિયામાં એનાં શિલ્પના વખાણ થતાં .જો કે એને એક વાતનો ખૂબ અફસોસ હતો કે એનાં પિતા એની હરેક શિલ્પકૃતિમાંથી કોઈક ને કોઈક ભૂલ કાઢતાં. એક આતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મૂકવા એણે એક અદભૂત શિલ્પ ઘડ્યું.જરા જેટલી પણ કસર રહી જાય તેનો ખ્યાલ રાખીને તેણે શિલ્પ પૂર્ણ કરીને પિતાજીને બતાવ્યું.પિતાજીએ ઘણી વાર સુધી શિલ્પ નિહાળ્યું.પુત્ર મનોમન ખુશ થઇ રહ્યો હતો કે હાશ આખરે મારી મહેનત સફળ થઇ.ત્યાં પિતાજીએ એક અત્યંત નાનકડી ભૂલ બતાવી.પુત્ર નારાજ થઇ ગયો.બે દિવસ સુધી એણે પિતા સાથે વાત કરી.ત્રીજે દિવસે એનાં પિતા બહાર ગયા હતાં અને કંઇક કામ માટે એનાં પિતાની રૂમમાં ગયો.ત્યાં એની નજર પિતાની ડાયરી પર પડી.અયોગ્ય  હોવાં છતાં પણ પિતાએ લખેલી ડાયરી ખોલી.ગઈકાલની તારીખમાં  લખ્યું હતું -મારો દીકરો શિલ્પકળાનાં સર્વોચ્ચ સ્થાને છે અને તો પણ એની કળામાં હું હમેંશા ભૂલો કાઢું છું, કારણકે જે દિવસે હું તેની પ્રશંષા કરીશ,તે દિવસથી એની પ્રગતિ અટકી જશે. મારાથી તો ખૂબ આગળ નીકળી ગયો છે, પણ હું એની વધુ ને વધુ પ્રગતિ ચાહું છું અને એટલે એની નારાજગી પણ મને મંજૂર છે.પુત્રની આંખ આંસુંથી  છલકાઈ ગઈ. છે પિતાની ભૂમિકા. આવતી કાલે ' ફાધર્સ ડે ' છે,તો ચાલો,આપણે સહુ આપણા પિતાને દિલથી સમજવાનો પ્રયત્ન કરીએ.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, June 24, 2012

પિતા ઘર નું અસ્તિત્વ હોય છે

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતા તો રડી પણ શકતા નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એ જ કરવાનું હોય છે.

જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાસ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી કે ખાલી પાણી લગાડી ને જ દાઢી કરી લેશે.

પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે, તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુએ છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાથમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.



દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસે તો ઘણા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

('ઈન્ટરનેટ પરથી')