Showing posts with label 'Japan'. Show all posts
Showing posts with label 'Japan'. Show all posts

Sunday, November 26, 2017

અન્ય પર દોષારોપણની દુર્વૃત્તિ

        સોફ્ટવેર કંપની માં કામ કરતા એક ભારતીય યુવાને તેના જાપાનીઝ ઓનસાઈટ સહકર્મચારીનું બેંગ્લોર ખાતે સ્વાગત કર્યું. તેઓ પોતાની કંપની દ્વારા પૂરી પડાયેલી કારમાં બેસી ઓફિસ તરફ જવા બેંગ્લોરની વ્યસ્ત સડક પર આગળ વધી રહ્યાં હતાં. હવામાન પરની ચર્ચાથી શરૂ થયેલો તેમની વચ્ચેનો વાર્તાલાપ વિકાસ, સ્વચ્છતા વગેરે બાબતો પર આવી થંભ્યો.
      પહેલા એ જાપાનીઝ થોડું ખચકાયો પણ ધીમે ધીમે તેમની વચ્ચે ઓળખાણ વધતાં અને ઔપચારિકતા ઘટતાં તેણે ખૂલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે ભારતમાં કૌશલ્યની કમી નથી પણ કમનસીબે એ અલ્પવિકસીત રાષ્ટ્ર બની રહ્યું છે.
      ભારતીય યુવાને તેને તરત યાદ અપાવ્યું કે "દસમી સદી સુધી ભારત સર્વોપરી રાષ્ટ્ર હતું પણ પાંચસો વર્ષનાં મોગલ શાસન અને ત્રણસો વર્ષનાં બ્રિટિશ શાસનને કારણે અમારી સંસ્કૃતિ પડી ભાંગી અને અમે એક અલ્પ વિકસીત રાષ્ટ્ર બની ગયાં." પછી ભારતીય યુવાને તેને અન્ય કારણો અને વિનાશકારી પરિબળો ગણાવવાં શરૂ કર્યાં જેને લીધે ભારત પછાત રહી જવા પામ્યું છે.
       જ્યારે  તેઓ આ મુદ્દાઓ ચર્ચી રહ્યાં હતાં  ત્યારે જ ગાડી ટ્રાફિક જામમાં ફસાઈ અને ભારતીય યુવાને જોયું કે જાપાનીઝ યુવાન ધ્યાન થી એક પાન મસાલા ખાઈ રસ્તા પર ગાડી નો દરવાજો ખોલી રસ્તા પર થૂંકી રહેલા સુશિક્ષિત લાગતા યુવાનને નિહાળી રહ્યો હતો. તેણે કહ્યું "શું તમે પેલા યુવાનને તમારી સડક ખરાબ કરતાં જોયો? શું તેને આ ખરાબ આદત મોગલો કે બ્રિટિશરો શીખવી ગયાં છે?" 
       ભારતીય યુવાન છોભીલો પડી ગયો. તરત તેણે બીજી એક બાબત નોંધી. સામેની બાજુએ એક વાહન બિનધાસ્ત સિગ્નલ તોડી આગળ જતું રહ્યું. પાછળ બુમરાણ મચી રહી અને ટ્રાફિક વધુ ગૂંચવાયો. 
    તરત તેણે ફરી કહ્યું "જોયું સામે પેલા ગાડી વાળાએ કઈ રીતે સરેઆમ ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કર્યું અને પાછળ ગૂંચવાડા ને વધુ જટિલ બનાવ્યો? શું ૩૦૦ વર્ષ પહેલાં બ્રિટિશ શાસન તેને આમ નિયમો અને કાયદા તોડતાં શીખવી ગયું? કે પછી તમે ગણાવી રહેલા વિનાશકારી પરિબળો તેને એમ કરવા પ્રેરી રહ્યાં છે, મજબુર કરી રહ્યાં છે?"
     ભારતીય યુવાનને કાપો તો લોહી ન નીકળે એવી તેની સ્થિતિ થઈ ગઈ. તે અવાચક બની જાપાનીઝ યુવાનને સાંભળી રહ્યો. તેણે કહ્યું "તમે લોકો પોતાના સિવાય બીજા બધાં પર દોષ નો ટોપલો ઢોળી દેવામાં માહેર છો. એ તમે લોકો જ છો જેનામાં જાહેરમાં કઈ રીતે વર્તવું તેની સુઝબૂઝ નથી, જેમને નિયમો - કાયદાઓ પ્રત્યે કોઈ આદર નથી, જેમને પોતાના પરિસર ની કોઈ કદર નથી પણ તમે બ્રિટિશરો થી માંડી મોગલો અને સત્તા વાળાઓ થી માંડી ભારત ને તોડવાનો દાવો તમે જેના પર કરો છો એ એજન્ટો સુધી નાં બધાં પર આરોપ લગાડવા માં શૂરા છો.તમને આઝાદી મળ્યાં ને કેટલાં વર્ષ થઈ ગયાં? ૭૦ થી વધુ? અમને જુઓ. 1945માં અમારાં હીરોશિમા, નાગાસાકી સહિત નો અમારો અડધા કરતાં વધુ દેશ સંપૂર્ણ રીતે નાશ પામ્યો. પણ તે બાદ ૨૦ જ વર્ષમાં અમારા માના દરેકે પોતાની જવાબદારી ઉપાડી લીધી અને વિકાસ સાધ્યો. અને અહીં ૭૦ વર્ષ બાદ પણ તમે લોકો બીજા પર આરોપો લગાવવા માં વ્યસ્ત છો જ્યારે વાંક તમારો પોતાનો છે."
 ભારતીય યુવાનને ચોટ લાગી. તેણે કાંઈ જ ખોટું કહ્યું નહોતું. પછી ની આખી સફર દરમ્યાન ભારતીય યુવાન એક પણ શબ્દ બોલી શક્યો નહીં. પણ મનન કરતાં તેને સ્પષ્ટ જણાયું કે :
આપણે ભારતીયોએ દોષા રોપણની દુર્વૃત્તિ માંથી બહાર આવવું પડશે.
આપણે સજ્જ થવું પડશે, શિસ્ત પાળતા શીખવું પડશે. 
રાષ્ટ્રને, નિયમો અને કાયદાઓને, આપણી આસપાસ નાં પરિસર ને આદર આપતાં શીખવું પડશે. તો જ આપણું રાષ્ટ્ર સાચા અર્થમાં વિકસીત થઈ શકશે. આ પરિવર્તન આપણા બધાં માં અંદર થી આવવું જોઇશે. 

(ઇન્ટરનેટ પરથી)

Saturday, May 21, 2016

જાપાની વયસ્ક દ્વારા એક અતિ મહત્વનો પાઠ

એક ભારતીય જાપાન ગયો અને તેની આદત મુજબ ત્યાં ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ તેણે પોતાના પગ સામેની ખાલી બેઠક પર મૂક્યાં.ત્યાં એક અજબ ઘટના બની.એક વયસ્ક જાપાની તેની પાસે આવ્યા અને તેના પગ ઉપાડી પોતાના ખોળામાં લઈ બેસી ગયા. ભારતીય તો ડઘાઈ ગયો.
તેણે વયસ્કને પૂછ્યું ," મહોદય,આપ પોતાની બેઠક છોડી શા માટે અહિ આવી બેસી ગયા અને રીતે મારા પગ તમે તમારા ખોળામાં લઈ લીધા?"
વયસ્કે જવાબ આપ્યો,"શ્રીમાન, તમે અમારી જાહેર સંપત્તિનો દુરૂપયોગ કરી અમારૂં અપમાન કર્યું છે. મને તમારા પર બદલ અતિ ક્રોધ આવ્યો.પણ તમે અમારા દેશમાં મહેમાન છો. આથી હું તમારૂં જાહેરમાં અપમાન કરી શકું નહિ. તમે જે બસ કે ટ્રેનમાં પ્રવાસ કરતા હોવ ત્યાં સામેની બેઠક પર પગ મૂકવા ટેવાયેલા છો. અને હું મારા દેશની જાહેર સંપત્તિનો દુરૂપયોગ થતો જોઈ શક્યો નહિ. આથી અમારી જાહેર સંપત્તિને બચાવવા અને સાથે અમારા મહેમાનને કોઈ પ્રકારની અસુવિધા થાય હેતુથી મેં તમારા પગ લઈ મારા ખોળામાં મૂકી દીધા."
ભારતીયનું માથુ શરમથી નીચું ઝૂકી ગયું અને તેણે તરત જાપાની વયસ્કની માફી માગી.
જાપાની વયસ્કે કહ્યું,"અમે અમારી સરકારી સંપત્તિને અમારી પોતાની સંપત્તિ ગણીએ છીએ કારણ જાહેર જનતાના પૈસામાંથી તો બનાવાઈ હોય છે.અમે અમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો આદર કરીએ છીએ અને તેનો દુરુપયોગ કરતા તેનું જતન કરીએ છીએજો તમે સારી આદત કેળવશો તો તમારે બીજા દેશોની મુલાકાતે જાવ ત્યારે ત્યાં અપમાનિત નહિ થવું પડે."
જાપાની વયસ્કે હળવા ચાબખા દ્વારા ભારતીયને એક અતિ મહત્વનો પાઠ શિખવી દીધો જે આપણે દરેક ભારતીયએ શિખવા જેવો છે.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 10, 2011

જાપાનીઓ પાસેથી શીખવા લાયક ગુણો

થોડા વખત પહેલાં ઇન્ટરનેટ કોર્નરમાં જાપાનીઝ પ્રોફેશનાલિઝમ વિશે સુબ્રોતો બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ' માં રજૂ થયેલા કેટલાંક અંશ રજૂ કર્યા હતાં.


એ જ જાપાનમાં તાજેતરમાં ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતોએ મોટી તારાજી સર્જી દીધી છતાં સમગ્ર જગતને વિશ્વાસ છે કે જાપાન ફરી બેઠું થઈ જશે.આ વિશ્વાસ નું કારણ જાપાનીઝ પ્રજાએ આ વિકટ પરિસ્થિતી દરમ્યાન અને હંમેશા દર્શાવેલા કેટલાક શીખવા લાયક ગુણો છે.આપણે ભારતીયોએ આ ગુણોમાંથી નીચે જણાવેલી બાબતો શીખવી જોઇએ:

૧ શાંતતા
આટલા મોટા સંકટ છતાં હૈયાફાટ રૂદન કે છાતી કૂટવી એવા નાટકીય શોક દર્શાવતું એક પણ દ્રષ્ય ક્યાંય જોવા ન મળ્યું.દુ:ખની ગરિમા તેમણે જાળવી બતાવી.

૨ સ્વમાન , સ્વાભિમાન
પાણી અને અન્ન માટે શિસ્તબદ્ધ કતારો. એક પણ ખરાબ શબ્દ કે બિભત્સ ચેનચાળો નહિં.

૩ સમર્થતા
દાખલા તરીકે અદભૂત બાંધકામ.ઘણી ઇમારતો હલી ગઈ પણ તૂટી પડી નહિં.

૪ ગૌરવ
લોકોએ તેમને તત્પૂરતી જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓ ખરીદી જેથી બધાને કંઈક મળી રહે.

૫ વ્યવસ્થિતતા
દુકાનો લૂંટાઈ નહિં.રસ્તાઓ પર મોટા મોટા હોર્નના અવાજો નહિં અને ન કોઈ કોઈને ઓવરટેક કરતું જોવા મળ્યું.ઉંડી સમજણ.

૬ ત્યાગ
પચાસ કામગારો સ્વેચ્છાએ ન્યુક્લિયર રિએક્ટરમાં દરિયાનું પાણી ઠાલવવા હાજર રહ્યાં,જાનના જોખમે.એ જાણતા હોવા છતાં કે આ ફરજપરસ્તી બદલ કોઈ બદલો મળશે તો પણ તે લેવા તેઓ જીવતા નહિં હોય.

૭ વિનમ્રતા અને સજ્જનતા
હોટલોએ ભાવ ઘટાડી નાંખ્યા. ગાર્ડ હાજર નહોતો એવું એક ATM સુરક્ષિત રહ્યું, કોઈએ તે લૂંટવાની કોશિશ ન કરી. સશક્તો,સબળાઓએ ગરીબ અને નબળાઓનું ધ્યાન રાખી તેમને રક્ષણ પૂરું પાડ્યું.

૮ પ્રશિક્ષણ
આબાલવ્રુદ્ધ, દરેક જાણતા હતા કે તેમણે શું કરવું જોઈએ. અને તે દરેકે એમ જ કર્યું.

૯ પ્રસાર માધ્યમો
તેમણે વિનાશની તસવીરો અને સમાચાર છાપવા,દર્શાવવામાં ગજબનો સંયમ દાખવ્યો. છીછરા કે મૂર્ખતા ભર્યા એક પણ અહેવાલ જોવા કે સાંભળવા ન મળ્યા. શાંતિપૂર્ણ અને યથાયોગ્ય અહેવાલ અને ખબરો જ છપાયાં.

૧૦ વિવેક્બુદ્ધિ
જ્યારે એક મોટી દુકાનમાં વિજળી જતી રહી ત્યારે ત્યાં હાજર ગ્રાહકો હાથમાં રહેલી વસ્તુઓ તેમના સ્થાને યથાવત મૂકી દઈ શાંતિથી દુકાન બહાર નિકળી ગયાં.
 
('ઈન્ટરનેટ પરથી')