Showing posts with label 'Durgesh Oza'. Show all posts
Showing posts with label 'Durgesh Oza'. Show all posts

Saturday, October 10, 2015

ખેલ

[
ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલી, પોરબંદરમાં રહેતાં વાચકમિત્ર અને લેખક દુર્ગેશભાઈ ઓઝાની ટૂંકી વાર્તા ૧૯૯૬માં 'કુમાર' મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલી.મને આશા છે 'ઇન્ટરનેટ કોર્નર'ના વાચકોને પણ જરૂર ગમશે.
]

રામજી નામધારી નટ-બજાણિયાનો ખેલ શરૂ થયો. જમીન પર ટેકવેલા વાંસડાના સથવારે એક યુવાન ઉપર ચડવા લાગ્યો. આજના ખેલની નવીનતા કે વિશેષતા... જે ગણો તે આ દેખાવડો, તંદુરસ્ત યુવાન હતો, જેને આ પહેલાંના ખેલોમાં  કોઈએ ક્યારેય નહોતો દીઠો. મોટા ભાગે તો રામજીની પત્ની ગંગા ઢોલ કે એવું વાંજિત્ર વગાડતી ને રામજી અને એનો દીકરો મોહન ખેલ કરતા. એને બદલે આજે રામજી બીજા પાસે ખેલ કરાવીને ‘નવો ખેલ’ કરતો હતો ! એ નવોસવો યુવાન દોરડા પર ચાલવાનો જોખમી ખેલ પાર પાડવા જઇ રહ્યો હતો. એ દોરડાને દોરડું કહેવુંય મુશ્કેલ બને એટલી હદે એના વળ વીંખાઈ ગયા હતા. હા, એને પાતળી દોરડીનું નામ આપી શકાય. જોકે રામજી માટે તો આ દોરી જીવાદોરી સમ હતી ને વાંસ હતો એનો શ્વાસ. વંશપરંપરાગત ચાલી આવતા આ ખેલને રામજી નિષ્ઠાપૂર્વક વળગી રહ્યો હતો. 

વાંસડાના ઉપલા ભાગમાં એ યુવાન સમતુલા જાળવી બેસી ગયો ને પછી કમરે ભેરવેલી બંસરીને હોઠ પર મૂકીને એણે છેડી. ચોતરફ સૂરનું પુર ફરી વળ્યું,જેને લીધે છટકી જવા માંગતાં કેટલાંક દર્શકો જડવત્ ખોડાઈને આ ચેતનરૂપ સ્વરોને બસ સાંભળી જ રહ્યાં ! ને કેટલાંક નવા માણસો પણ ભીડમાં દાખલ થયા,જેમાં મધ્યમ તેમ જ ઉચ્ચ ધનિક વર્ગનો પણ સમાવેશ થતો હતો. ખેલમાં બંસરીનો પ્રયોગ સૌપ્રથમ વાર થઇ રહ્યો હતો. તેણે સારું આકર્ષણ જમાવ્યું. યુવાનની  પ્રયોગશીલતા સૌ આનંદભેર માણી રહ્યાં,જેમાં કુતૂહલ ૫ણ ભળ્યું હતું.

થોડી વાર પછી બંસરીના સૂર થંભ્યા ને યુવાનના પગ નર્તન કરી રહ્યા. હા, હવે તેણે દોરડા પર ચાલવાનું શરૂ કર્યું હતું. જો એ જરા પણ સમતુલા ગુમાવે તો ખેલ ખલાસ... ભૂલેચૂકેય જો એ ‘નીચે’ પડી જાય તો ‘ઉપર’ પહોંચી જાય એવો ખેલ ભજવાઈ રહ્યો હતો. લોકો વિવિધ અભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા,

‘ આ યુવાનને તો ખેલમાં પહેલી જ વાર જોયો હો ! અપ-ટુ-ડેટ છે. લાગે છે તો ભણેલગણેલ. ઓફિસની ખુરશીને લાયક નથી લાગતો ? વખાનો માર્યો લાગે છે.

પેટ કરાવે વેઠ. આજકાલ નોકરી ક્યાં મળે છે ? જે હોય તે. બાકી જુવાન છે તો ભારી રૂપકડો. ખાનદાન કુટુંબનો લાગે છે. બોલો લાગી શરત....?

ત્યાં વળી નવું કૌતુક સર્જાયું. દોરડા પર ચાલતા ચાલતા રામજી કે મોહન ક્યારેય કશું બોલતા નહીં. બોલવા લાગે તો પગ ડોલવા માંડે.. હા, નીચે ઢોલ કે એવું વાજિંત્ર વાગતું. જયારે અહીં તો આ યુવાન સ્વસ્થપણે બોલીને લોકોના હૃદયને ડોલાવી રહ્યો હતો !

‘ લેડીઝ એન્ડ જેન્ટલમેન, સે ઇન્ડિયા ઇઝ ગ્રેટ. રાધર વ્હોલ વર્લ્ડ ઇઝ ગ્રેટ. વી ઓલ આર ફ્રેન્ડ્સ. આપણા સૌમાં પ્રેમની જ્યોતિ અખંડપણે પ્રકાશતી રહે. તમને સૌને મારી શુભેચ્છા. બેસ્ટ લક તો યુ ઓલ...સૌને રામરામ, સલામ....!

યુવાનની આવી લહેકાદાર, લાગણીભરી વાક્ધારાથી ઉચ્ચ વર્ગના કાન સૌ પહેલાં ચમક્યા. ‘ માળો ! આ તો અંગ્રેજીમાં બોલે છે ! ગોખ્યું લાગે છે..ને ગુજરાતી પણ કેવું સુંદર ! માણસ મુશ્કેલીમાં લાગે છે. આપણે યથાશક્તિ મદદ કરવી જોઈએ..’ સૌ હ્રદયની ભાષામાં એકબીજા સાથે, પોતાની સાથે વાતચીત કરી રહ્યાં. બધા ધર્મને સાંકળી લેતા વાક્યોની પ્રેમસભર રજૂઆત વડે યુવાને લોકોનું મન  જીતી લીધું. બોલે તેના બોર વેચાય તે આનું નામ. ફરી એણે સૂરો વહેતા કર્યા ને લોકો ભાવવિભોર થઇ ઊઠ્યાં. થોડી ક્ષણો પછી એ સડસડાટ નીચે ઊતરી ગયો ને તાળીઓનો ગડગડાટ વરસી રહ્યો. એની સમતોલનકળા ચોમેર પ્રશંશાને પાત્ર બની.

પોર્ટફોલીઓ લઈને એ યુવાન લોકો વચ્ચે ફરી રહ્યો. ‘હેલ્લો,વીલ યુ પ્લીઝ હેલ્પ ?’ એવી અંગ્રેજી ભાષા અને ‘આપશો’ એવું ગુજરાતી એ બોલી રહ્યો ને એ પણ એવી વિવેકપૂર્ણ  રીતે, સસ્મિત વદને, સંસ્કારી ભાષામાં...કે એના પ્રભાવ હેઠળ આવી ગયેલા કોઈએ એનો બોલ ઉથાપવાની ચેષ્ટા સુધ્ધાં ન કરી.

પૈસા માંગતી વેળા અણગમો દાખવવો, મુખ ફેરવી નાસી છૂટવું, એવા રોજિંદા દ્શ્યોથી ટેવાઈ ગયેલા રામજીને આજે સાનંદાશ્ચર્ય થયું. ઊલટું, લોકો  એ યુવાનની પીઠ થાબડી તેને નોકરીની ઓફર પણ કરી રહ્યા હતા ! એ યુવાન આભાર વ્યક્ત કરતો કરતો આગળ વધતો ગયો.

અંતે ભીડ વિખરાવા લાગી. નટ રામજી તરફ પેલા યુવાને ડગ માંડ્યાં, ત્યાં જ એક અંગ્રેજ મેડમે સાદ પાડી તેને પોતાની પાસે બોલાવ્યો. યુવાને રામજીને પણ સાથે લીધો. યુવતી પ્રશંસાના સૂરમાં બોલી ઉઠી :

‘ વન્ડરફુલ મ્યુઝિક એન્ડ યોર પ્લે...મને થોડું થોડું ગુજરાતી ફાવડે છે.’ 

બેન, ”ફાવડે” નહી, ફાવે છે,આવડે છે એમ કહેવાય.’ રામજી બોલી ઊઠ્યો. યુવાને રામજીને વાતને અંગ્રેજીમાં સ્પષ્ટ કરી ને તરત જ મુક્ત ત્રિકોણી હાસ્ય સર્જાયું.        ‘ ઓ.કે..ઓ.કે..’ કહી મેડમે સો રૂપિયાની નોટ યુવાનને આપતાં પૂછ્યું :

‘ ડુ યુ વોન્ટ એનિ જોબ ? કમ વિથ મી. આઈ વિલ ગિવ યુ સમ વર્ક. યુ વિલ ગેટ મોર મનિ.’

થેંક યુ મેડમ...બટ...’ નટ તરફ એક ઈશારો કરી  યુવાને કશુંક સમજાવ્યું. મેડમ ખડખડાટ હસી પડી ને પછી મદદનું વચન તેમ જ સરનામું આપી મોટરકારમાં ચાલી ગઈ...

...ને નટ રામજીએ ગાલ પર ચૂંટી ખણી. ‘ આ સપનું તો નથી ને ? આટલા બધા પૈસા જિંદગીમાં આ પહેલાં ક્યારેય નહોતા ભાળ્યા. ખેલ પત્યા પછી મળેલા ઓછા પૈસા નિરાશ વદને ગણ્યા વગર ગજવામાં મૂકી દેવાના અગણિત કિસ્સા બન્યા હતા. ને આજે તો ખેલ થવાની શક્યતા જ ક્યાં હતી ? એણે બદલે આ તો સાવ ઊલટું !! રામજી પૈસા ગણવા લાગ્યો, પણ એને ‘ફાવ્યું’ નહીં, એટલે યુવાન મદદે આવ્યો. યુવાને કહેલો આંકડો ફાકડો હતો, સાંકડો નહીં.

‘ અધધધ....ત્રણસો ને ત્રીસ રૂપિયા...! ‘ રામજીનું આશ્ચર્ય શમે એ પહેલાં યુવાને સો-સોની બીજી બે નોટ પોતાના તરફથી ઉમેરતા કહ્યું, ‘ હવે ઝટ વતન જવાની તૈયારી કરો. આટલા પૈસા થઇ રહેશે ને ? કે પછી વધારે આપું ? ’

બીમાર મોહનનો ખ્યાલ આવતાં તેણે ઉમેર્યું, ‘ તારા દીકરાની સારવાર જલદી ને સારી કરાવજે એટલે એ ફરી દોરડા પર ચાલવાનો ખેલ કરી શકે. નવું દોરડું લઇ લેજે...ને હા, પેલી મેડમ પાસે જજે. તને સારું કામ મળી જશે, સમજ્યો ? ’

‘ સાહેબ, તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. તમે આવડા મોટા સાહેબ થઈને દોરડા ઉપર આવો ખેલ...સાહેબ મને માફ....’

‘ અરે એમાં શું ? ને હવે વાતોનાં વડાં ન કર. ચાલ આવજે. તું રાજી એમાં હુંય રાજી, બરાબરને ? ’

અને લશ્કરના આ જવાન અફસરે નટની પીઠ થાબડી, ને રજામાં વતનમાં આવતાવેંત જ એક સારું કામ કર્યાનો સંતોષ અનુભવી તેણે જોશભેર પોતાના પગ ઘર ભણી ઉપડ્યા. રાષ્ટ્રની સુરક્ષા માટે જીવસટોસટનાં અનેક સાહસો ખેડનારા આ અફસર માટે નટનો ખેલ ડાબા હાથનો ખેલ હતો. ઉપરી-અધિકારીની રજા લઇ ઘણાં વર્ષો બાદ પોતે વતનમાં આવ્યો હોઈ લગભગ કોઈ તેને ઓળખી નહોતું શક્યું ને જે એક-બે મિત્રોએ તેને ઓળખી કાઢ્યો હતો તેમને ખેલ દરમિયાન જ તેણે ચૂપ રહેવાનો સંકેત આપી દીધો હતો.

પણ નટ રામજીને તો આ યુવાનની ખરી ઓળખ મળી ચુકી હતી. રામજી...નજર પહોંચે ત્યાં સુધી આ ભલા યુવાનને કૃતજ્ઞતાપૂર્વક જોઈ જ રહ્યો, બસ જોઈ જ રહ્યો. 

('ઈન્ટરનેટ પરથી')

 

Saturday, March 23, 2013

નવજીવન


રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની  ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.અચાનક રમેશની નજર  મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?હાય હાય....હવે તારી જિંદગી.!કોયલ કહે,ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ....તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.હજી ઘણી બધી તકો,પ્રવ'ત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે આપણી જિંદગી ખતમ.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ  સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય..એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.....ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ......



........ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,...લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?

સરસ છે પપ્પારમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કેતમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય  ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.
પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો..............
 
.........દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યોતો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યોતો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યોતો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્Ÿગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.....ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.

લેખક-દુર્ગેશ બી ઓઝા