Sunday, October 23, 2016

આઈ લવ યુ કહેવામાં મોડું

આઈ લવ યુ કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઇ જાય જિંદગીમાં....
એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું. ફૂલે પંખીને પૂછ્યું, “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?” પંખીએ હસતાં હસતાં કહ્યું, “ખબર નહીં કેમ પણ તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી. મને બસ એમ જ થાય છે કે હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.”
ફૂલને થયું કે આ તો સાલું માથે પડ્યું છે અને મારો પીછો મૂકે તેમ લાગતું નથી. મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે. એણે પંખીને કહ્યું, “તું કાયમ મારી સાથે રહેવા ઈચ્છે છે ?” પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયું એવું લાગ્યું જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું. એણે તો તુરંત જ કહ્યું, “હા, હું કાયમ તારી સાથે જ રહેવા માંગુ છું.”
ફૂલે કહ્યું, “જો હું અત્યારે સફેદ છું જ્યારે હું લાલ થઈ જઈશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.” આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું. ફૂલ વિચારમાં પડી ગયું કે હું તો સફેદ છું લાલ તો થવાનું જ નથી. આ તો આનો પીછો છોડાવવા માટે મેં આમ કહ્યું પણ આ તો એવું માની બેઠું લાગે છે કે હું લાલ થઈ જઈશ. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ લાગે છે.
પેલા ફૂલની આસપાસ ખૂબ કાંટા હતા. પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે અથડાવવાનું શરૂ કર્યું. પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડીને ફૂલ પર પડવા માંડ્યા અને ફૂલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખું શરીર વીંધાય ગયું અને પેલું સફેદ ફૂલ લાલ થઈ ગયું. ફૂલને હવે સમજાયું કે પંખી એને કેટલો પ્રેમ કરે છે ! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચે નમ્યું અને કહ્યું, “દોસ્ત મને માફ કરજે. હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત…” ફૂલ સતત બોલતું જ રહ્યું પણ સામે કોઈ જ જવાબ ન મળ્યો ત્યારે ફૂલને સમજાયું કે હવે ઘણું મોડું થઈ ગયું છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે પણ કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ… જાળવજો… સંભાળજો… ક્યાંક પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઈ જાય !
આ પ્રેમ માતા-પિતાનો, ભાઈ-બહેનનો, પતિ-પત્ની કે એક મીત્રનો પણ હોય…

('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 15, 2016

ભગવાન કહે છે...

હું હવે થાકી ગયો છું માણસોથી
રાતને દીવસ સતત એ કંઈને કંઈ માગ્યા કરે
બંઘ આંખે, હાથ જોડે, શીશ ઝુકાવે, ઘુંટણીયાભેર થઈ જઈને પગે લાગ્યા કરે…
ધુપને દીવા કરે, પુજન કરે, અર્ચન કરે છે ને કથાકીર્તન, હવન–હોળી કરે, મારી સર્જેલી બઘી વસ્તુઓથી લલચાવે…
મને ફળફુલ, નૈવેદ ને શ્રીફળ ધરે… માગણીની રોજ માળા ફેરવે, મણકા ગણે ને કોથળીમાં હાથ સંતાડ્યા કરે…
હું હવે થાકી ગયો છું માણસોથી
આ સકળ બ્રહ્માંડ ચૌદે લોકમાં નીવાસ મારો છે ધરા, પાતાળ ને આકાશમાં…
તો પણ મને પુરે છે મંદીર – મસ્જીદોની જેલમાં, છું હું ઘણાં યુગોથી કારાવાસમાં,
હું એક ઉર્જારુપ છું પણ સૌ અલગ નામે, અલગ રુપે હજારો ઘર્મને સ્થાપ્યા કરે…
હું હવે થાકી ગયો છું માણસોથી
માણસો સર્જીને કીઘી ભુલ મેં, આજે જુઓ એ મુર્તીઓ મારી જ સર્જે છે
હવે એ ડુબાડે છે, વીસર્જન પણ કરે છે, ઉત્સવો નામે સતત ઘોંઘાટ ગર્જે છે હવે…
રોડ પર કાઢીને શોભાયાત્રા, ડીસ્કોને ડીજે. તાલમાં જાહેરમાં નાચ્યા કરે…
હું હવે થાકી ગયો છું માણસોથી…
માંગણી છે એડમીશન ને પરીક્ષામાં ટકા ને નોકરી–ઘંઘો… સગાઈને સીમંત…
બંગલોને કાર, સીદ્ઘી–સંપત્તી ને રોગમુક્તી… એવી અઢળક માંગણોઓ છે અનંત…
એ મંત્રેલા દોરાઘાગાઓ અને તાવીજ બાંઘી મારી કાયમ માનતા માન્યતા કરે…
હું હવે થાકી ગયો છું માણસોથી…!
 - અજ્ઞાત

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, October 12, 2016

ઔચિત્યપૂર્ણ વ્યવહારની મિસાલ

એક સાંજે એક બાળક તેના મામા સાથે મિરઝાપુર શહેરમાં લટાર મારવા નીકળ્યો હતો. તેની ઉંમર હતી છ વર્ષ ને તેમના મામાની દસ વર્ષ.
તેમણે એક માણસને હાથમાં એક ટોપલી લઈ ઉભેલો જોયો. તેમણે તેને પૂછ્યું કે ટોપલીમાં શું છે? તે માણસે જવાબ આપ્યો,"ટોપલીમાં મીઠી સરસ કેરી છે.આ લો એક તમારા માટે અને એક તમારા આ સાથીદાર માટે. ચાખો. મારે ઘેર આ કેરીઓ વેચીને જ જવાનું છે. હું તમને આ સો કેરી એક આનામાં આપીશ. લઈ લ્યો."
તેમણે કેરી ચાખી અને ખરેખર એ ખુબ મીઠ્ઠી હતી. તેમણે એ માણસને કેરી ના પૈસા આપ્યાં. માણસે કેરીઓ ગણવા માંડી. તે જ્યારે ૫૦ કેરી ગણી રહ્યો ત્યારે બાળકે તેને થોભી જવા કહ્યું. માણસને નવાઈ લાગી. શાસ્ત્રીજીએ કહ્યું,"અમારે માત્ર ૫૦ કેરી જ જોઇએ છે. પૈસા પૂરા તમે રાખી લો. માણસ અવાચક બની તેમની સામે જોઇ રહ્યો અને પછી આભાર માની ત્યાંથી જતો રહ્યો. લલ્લન મામાએ બાળકને મૂર્ખ ગણાવી કહ્યું કે શા માટે તેણે ઓછા પૈસામાં કેરી મળી રહી હતી તો તેનો અસ્વીકાર કર્યો? બાળકે સમજાવ્યું,"તમે એ જોઈ ન શક્યા કે એ માણસ કેટલી મુસીબતમાં હતો જેથી એણે આવી સારી કેરી માત્ર એક આનામાં સો ના ભાવે વેચવી પડી હશે? તેની આવી મજબૂરીની પરિસ્થિતીનો લાભ શા માટે લેવો?"
આવા ઉદાત્ત અને ઉમદા વિચારો ધરાવનાર એ  બાળક બીજું કોઈ નહિ પણ આપણાં દેશને આઝાદી મળ્યા બાદ તેના દ્વિતીય પ્રધાનમંત્રી બનનાર લોકપ્રિય નેતા લાલબહાદુર શાસ્ત્રી હતા. આ  મહાન નેતાનો જન્મ પણ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને દિવસે જ એટલે કે ૨જી ઓક્ટોબરે  થયો હતો.
તેઓ માનતા કે સદાયે માનવીએ અન્યો સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો જોઇએ. રાષ્ટ્રઘડતરમાં આપણાં સૈનિક અને ખેડૂત ભાઈઓના ફાળાને ધ્યાનમાં લેતા તેમણે આપણને સૂત્ર આપ્યું "જય જવાન જય કિસાન". ઔચિત્ય, આ નમ્ર પણ મહાન વિભૂતિનો ખુબ મહાન અને નોંધનીય સદગુણ હતો. જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારી સાથે ન્યાયથી, પ્રમાણિકતાથી અને ઔચિત્યપૂર્ણ રીતે વર્તે તો તમે પણ એમની સાથે એવો જ વર્તાવ કરો.


('ઈન્ટરનેટ પરથી')