Showing posts with label 'sindhutai sapkal'. Show all posts
Showing posts with label 'sindhutai sapkal'. Show all posts

Saturday, October 13, 2012

સિંધુતાઈ સપકાલ

સિંધુતાઈ સપકાલ.૬૩ વર્ષની ઉંમર. શરીર પર કોઈ ઘરેણાં નહિં. ચોળાયેલો કોટનની સાડી અને કપાળે કાળો મોટો ચાંદલો અને મુખ પર ઉષ્માભર્યું સ્મિત.


ગયા વર્ષે સિંધુતાઈને મુંબઈની આઈ.એમ.સી. વિંગે 'વુમન ઓફ ધ યર' સન્માન આપી નવાજ્યા.આ સન્માન અને ટ્રોફી લેતી વખતે પેનલનો આભાર માનતાં તેમણે તળપદી મરાઠી ભાષામાં કહ્યું," આ જીવન જ એક સૌથી મોટો પુરસ્કાર છે."

વર્ધાના એક ખેડૂતને ઘેર જન્મેલા સિંધુતાઈને તેઓ જ્યાર ૨૪ વર્ષના હતા અને જ્યારે તેમના પેટમાં નવ મહિનાનો ગર્ભ હતો ત્યારે તેમના પતિએ તેમને કાઢી મૂક્યા.પણ પછીતો જીવનમાં તેઓ ભિખ માંગવાથી માંડીને નાણાંભંડોળ ઉભું કરનાર,ચાર અનાથાલયોના વ્યવસ્થાપક અને હજારથીયે વધુ અનાથ બાળકોના લાડલા 'માઈ' બની ગયાં.

જીવનરાહમાં સપકાલે પોતાની સગી દિકરીનો ત્યાગ કર્યો જેથી તે બીજા અનાથ બાળકોને ભૂલથી પણ ક્યારેય અન્યાય ન કરી બેસે. પોતાના મરણ પથારીપર રહેલા પતિને માફી આપી તેની સેવાનું સદકાર્ય પણ સિંધુતાઈએ કર્યું અને વીસ વર્ષ બાદ તેનો પોતાની ત્યાગી દિધેલી સગી દિકરી સાથે ફરી મેળાપ થયો. તેમના જીવનના આ નોંધનીય પાસાઓને લીધે તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમના તરફ ખેંચાય છે.

આઈ.એમ.સી. ખાતે જ્યારે તેમનો સત્કાર સમારંભ યોજાયો ત્યારે પ્રેક્ષકગણમાં બેઠેલી મોટા મોટા ઉદ્યોગપતિઓની પત્નીઓ તેમજ સમાજની ઉપલી હરોળમાં ગણાતી અનેક સોશ્યલાઈટ ગ્રુહિણીઓએ સિંધુતાઈના ચરણસ્પર્શ કરવા અને તેમની સાથે પોતપોતાના ફોટા પડાવવા પડાપડી કરી!

બીજે દિવસે જ્યારે સિંધુતાઈ દાદરના મધ્યમવર્ગીય શિવાજી પાર્ક વિસ્તારમાં ટેકસીમાંથી એક હોટલમાં જવા ઉતર્યા ત્યારે વટેમાર્ગુઓ થોભી જઈ, તેમનો ચરણ સ્પર્શ કરવા રોકાઈ ગયા અને હોટલનો મેનેજર તેમને જમા થઈ ગયેલી ભીડમાંથી માર્ગ કરતો હોટલમાં લઈ ગયો.

કેટલાંયે લોકોએ તેમને તેમની જીવનકથા પરથી બનેલી મરાઠી ફિલ્મ 'મી સિંધુતાઈ સપકાલ' ફિલ્મની સફળતા બદલ અભિનંદન આપ્યા.આ ફિલ્મને ગયા વર્ષે ચાર રાષ્ટ્રીય પુરસ્કારોથી સનમાનિત કરાઈ હતી.અન્ય કેટલાક લોકોએ તેમને તેમના સંતાનો વિષે પ્રશ્નો પૂછ્યાં.

તેમને મદદ કરવા તત્પર દરેક વ્યક્તિએને તેમણે એક જ જવાબ આપ્યો:,”તમારે મને જે કંઈ આપવું હોય તે આપો જેથી હું મારૂં કાર્ય ચાલુ રાખી શકું.”

સપકાલના બધાંજ અનાથાલયો ખાનગી સખાવત થકી ચાલે છે.તેમના જીવનની એક ફરિયાદ તેઓ સસ્મિત કરે છે કે તેમના કાર્ય માટે તેમને ક્યારેય સરકાર તરફથી ક્યારેય કોઈ મદદ મળી નથી.

તાઈ કહે છે,"મને જ્યારે જ્યારે બોલવાનું આમંત્રણ આપવામાં આવે છે ત્યારે મારા છેલ્લા શબ્દો દાનની વિનંતીના હોય છે." સ્મિત ફરકાવતા તેઓ કહે છે,"ભાષણ નહિં તો રેશન નહિં! અને રેશન ન હોય એ તો કેમ ચાલે?મેં જીવનમાં ઘણું પહેલા જ નક્કી કરી લીધેલું કે હું કોઈ પણ અનાથની માતા બનીશ પછી ભલે એ અનાથ, બાળક હોય,કોઈ ગરીબ તરછોડાયેલી સ્ત્રી હોય કે પછી કોઈ ઘરડી વ્યક્તિ હોય.”

આ નિર્ણય પાછળની યાત્રાની શરૂઆત ૧૯૫૮માં થઈ જ્યારે નવ વર્ષની ઉંમરે સિંધુતાઈ નાં લગ્ન તેમનાથી વીસ વર્ષ મોટા પુરુષ સાથે થયા.

તાઈ ભોળપણ સાથે મુખ પર તેમના ટ્રેડમાર્ક સ્માઈલ સાથે કહે છે," ૧૨વર્ષની વયે મને સાસરે મોકલી દેવામાં આવી હતી જ્યાં મને ખૂબ મારવામાં આવતું,મારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો અને મારી પાસે હદ કરતાં વધુ કામ કરાવવામાં આવતું. અને હું ૨૪ વર્ષની હતી ત્યારે ઘરેલુ ઝઘડાને લીધે તેઓએ મને તેમના ઘરમાંથી કાઢી મૂકી.” તાઈને તે વખતે નવ મહિનાનો ગર્ભ હતો અને તેમની સુવાવડ એક ગમાણમાં થઈ.તાજી જન્મેલી દિકરીની નાળ તેમણે એક ધારદાર પત્થરથી કાપી. “અમારૂં ગુજરાન ચલાવવા મેં ટ્રેનમાં ગાઈને ભીખ માગવાનું શરૂ કર્યું.મેં ત્રણ વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ હવે મને સમજાય છે શા માટે દર વખતે ઇશ્વરે મને બચાવી લીધી.”

સપકાલે આ નિર્ધન સ્થિતીમાં જ અનાથ બાળકોને દત્તક લેવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો જ્યારે હજુ તેમની પોતાની બાળકી સાવ નાની હતી. રેલવે પ્લેટફોર્મ્સ પર જીવન જીવતા બાળકો પ્રત્યે તેમને અનુકંપા જાગી અને તેમણે તેઓની દેખરેખ રાખવાની શરૂઆત કરી. જે ખોરાક અને રહેવાની જગા મળે તે તાઈ આ બાળકો સાથે વહેંચવા માંડ્યા. અને જ્યારે તેમની બાળકી છ મહિનાની થઈ ત્યારે તેમણે પોતાના જીવનનો સૌથી કપરો - કેટલાક લોકો જેને નિષ્ઠુર,ઘાતકી અને ક્રૂર ગણે છે - તેવો નિર્ણય કર્યો. તેઓ કહે છે,"મેં મારી સગી દિકરીનો પુણેના એક સમાજ કલ્યાણ ટ્રસ્ટને સોંપી દઈ ત્યાગ કર્યો. મારે પેટે જણેલી દિકરીને કારણે અન્ય કોઈ અનાથ બાળકને અન્યાય ન થઈ બેસે એ બાબતની તકેદારી રાખવી હતી. આથી મેં કાળજા પર પત્થર મૂકી આવો કઠોર નિર્ણય લીધો." તેઓ ભવા ઉંચા ચડાવી આવી માહિતી આપે છે.

તે પછીના ૧૩ વર્ષો સુધી સિંધુતાઈએ શેરીમાં રઝળતા બાળકોનું ભરણપોષણ કર્યું.આ માટે જરૂરી નાણાંભંડોળ તાઈએ ભિખ માગીને ટ્રેનમાં ગીતો ગાઈને અને પોતાના શક્તિશાળી વક્તવ્યોમાંથી રળેલી સખાવતમાંથી મેળવતા.તાઈ પાંચ જ ચોપડી ભણી શાળામાંથી ઉઠી ગયેલા પણ તેમને કવિતાનો જબરો શોખ છે અને તેમની પાસે સુંદર વકતૃત્વનું જન્મજાત વરદાન છે.

વર્ષ ૧૯૮૬માં તાઈએ પોતાના પહેલા અનાથાલયનું અમરાવતી ખાતે રજિસ્ટ્રેશન કરાવ્યું..

જેમ જેમ તેમની આ ઝૂંબેશ આગળ વધતી ચાલી તેની કિર્તી વધતી ચાલી અને મંદિરોમાંથી,ટ્રસ્ટો પાસેથી અને શુભચિંતકો પાસેથી સખાવતનો ધોધ વહેવા લાગ્યો.

ત્યાર બાદ પ્રથમ અનાથાલય ખોલ્યાના વીસેક વર્ષ બાદ સપકાલને એવી માહિતી મળી કે તેમના ૭૫ વર્ષીય પતિ એકલા અને માંદા છે.તાઈ કહે છે,"તેઓ અનાથ અને વ્રુદ્ધ બની ગયા હતા.મારે તેમની મદદ કરવીજ પડે. મેં તેમને જણાવ્યું કે હું તેમની પત્ની તરીકે તેમની સાથે નહિ રહું પણ તેમની મારા બાળકની જેમ ચાકરી જરૂર કરીશ."

તાઈને ક્ષમા વિશે પૂછો અને તે જણાવે છે કે તેમની બધી સફળતાનો યશ તેમના પતિને જાય છે. “મારો ત્યાગ કરીને તેમણે જ મને જીવનની આ નવી રાહ ચિંધી હતી." એમ તેઓ ખચકાયા વગર કહે છે.

પણ આ ઉદારતાભર્યા કાર્યો કરતાં કરતાં પણ તેમનું હ્રદય તેમને ડંખતું રહ્યું,એમ વિચારીને કે તેમની સગી દિકરી તેમને ધિક્કારતી હશે. તેઓ કહે છે,"મને લાગતું કે તે ક્યારેય એ સમજી શકશે નહિ કે મેં શા માટે બાળવયમાં જ તેનો ત્યાગ કર્યો હતો.પણ મારો એ ડર ખોટો સાબિત થયો અને આજે મારી દિકરી મારે પડખે છે. મને લાગે છે કે મારો નિર્ણય સાચો જ હતો.”

બે વર્ષ પહેલાં સિંધુતાઈને સાનફ્રાન્સિસ્કો ખાતે એક મરાઠી સાહિત્યિક કાર્યક્રમમાં વક્તવ્ય આપવા આમંત્રવામાં આવ્યા. આ કાર્યક્રમના મિડિયા કવરેજ પર ફિલ્મ દિગ્દર્શક અનંત મહાદેવનનું ધ્યાન ગયું.

અનંત જણાવે છે કે 'મારા ૧૫૭ જમાઈ છે' એવું સિંધુતાઈનું વિધાન વાંચી હું આભો જ બની ગયો! અમારૂં મળવાનું લખાયું જ હશે. તેઓ પોતાના પર મારા દ્વારા બનાવાયેલી ફિલ્મથી ખૂબ ખુશ છે અને હું પણ એટલો જ આનંદિત છું.આ ફિલ્મે મને એક વધુ સારો સર્જક બનાવ્યો છે."

ગયા વર્ષે સિંધુતાઈના જીવન પરથી બનેલી આ ફિલ્મે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમેળાઓનો પ્રવાસ ખેડ્યો. તાઈ હર્ષપૂર્વક જણાવે છે કે “આ દ્વારા મારા મિશનને ખૂબ સારી ખ્યાતિ મળી છે.લોકો હવે સામેથી મારી મદદ કરવા આવે છે.મારી ચળવળને આ ફિલ્મે અતિ પ્રસિધ્ધી અપાવી છે."

('ઈન્ટરનેટ પરથી')