Showing posts with label 'open letter to terrorists'. Show all posts
Showing posts with label 'open letter to terrorists'. Show all posts

Saturday, November 28, 2015

એન્ટોઈન લેઈરીસનો આતંકવાદીઓને ખુલ્લો પત્ર


પેરીસમાં તાજેતરમાં થયેલા આતંકી હૂમલામાં જેણે પોતાની વહાલસોયી પત્ની અને પોતાના દોઢ વર્ષનાં પુત્રની મા ગુમાવી તેવા ફ્રેન્ચ નવયુવાન એન્ટોઈન લેઈરીસે આઈ.એસ.આઈ.એસ. (ISIS)નાં આતંકવાદીઓને ખુલ્લો હ્રદયસ્પર્શી અને સંવેદનશીલ પત્ર ફેસબુક પોસ્ટ દ્વારા લખ્યો જેનો અનુવાદ આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ :

" શુક્રવારે રાત્રે,તમે એક અસામાન્ય જીવની હત્યા કરી - મારા જીવનના પ્રેમની - મારા પુત્રની માતાની - પણ તમને મારી નફરત મળશે નહિ. હું જાણતો નથી કે તમે કોણ છો અને મને જાણવાની ખેવના પણ નથી. તમારો આત્મા મરી પરવાર્યો છે.જો તમારા કહ્યા મુજબ તમે અંધાધૂંધ હત્યાઓ ઇશ્વર માટે કરી હોય તો જેટલી ગોળીઓ તમે મારી પત્નીના શરીરમાં ધરબી દીધી એટલા જખમો ઇશ્વરના હ્રદય પર પડ્યા હશે.

આથી ના, હું મારી નફરતની ભેટ તમને નહિ આપું.  તમે ઇચ્છો છો કે તમને  નફરત અને ગુસ્સાભર્યો  પ્રતિભાવ મળે,પણ એના દ્વારા તો હું પણ તમારા જેવી ભ્રામક અજ્ઞાનતાનો શિકાર બની જઈશ,

જેણે તમને હાલમાં તમે જેવા છો એવા (ક્રૂર,ઘાતકી અને અમાનવીય) બનાવ્યા છે. તમે મને ડરાવવા ઇચ્છો છો,મારા દેશબાંધવો પ્રત્યે હું શંકાની નજરે જોઉં એમ ઇચ્છો છો,મારી સુરક્ષા માટે મારી આઝાદી હું ત્યાગી દઉં એમ ઇચ્છો છો.(પણ અહિં)તમે હરી ગયા (છો).

મેં મારી પત્નીને આજે સવારે જોઈ,અનેક દિવસો અને રાતોના ઇંતેજાર બાદ. તે આજે પણ એટલી સુંદર દેખાતી હતી જેટલી તે ગયા શુક્રવારની રાતે ઘર છોડ્યા પહેલા દેખાતી હતી, જેટલી તે ૧૨ વર્ષ પહેલા અમે પહેલી વાર મળ્યા હતા ત્યારે દેખાતી હતી. બેશક હું અત્યારે અનુભવાતી વેદનાને કારણે ધ્વસ્ત થઈ ગયો છું, એમાં તમારો નાનકડો વિજય થયો છે, પણ વેદના ચોક્કસ ક્ષણિક હશે. હું જાણું છું કે મારી પત્ની રોજ મારી સાથે હશે અને અમે ફરી મુક્ત પ્રેમના

એવા સ્વર્ગમાં વિહરીશું જ્યાં તમને પ્રવેશ (ક્યારેય) નહિ મળે.

અમે બે છીએ,હું અને મારો પુત્ર પણ અમે આખા જગતની બધીજ લશ્કરી ટુકડીઓના બળ કરતા પણ વધુ બળવાન છીએ. મારી પાસે હવે તમારા માટે વેડફવા એક પણ વધારાની ક્ષણ નથી.મારે મેલ્વીલ પાસે જવાનું છે જે કદાચ હમણાં પોતાની નિદ્રા પૂરી કરી જાગ્યો હશે. હજી માત્ર સત્તર મહિનાનો છે. હંમેશની જેમ તેનું ખાવાનું ખાશે અને પછી અમે નિયમ મુજબ સાથે થોડું રમીશું.અને તેની સમગ્ર જિંદગી સુધી નાનકડો છોકરો સુખી અને આઝાદ બની તમને ડરાવ્યા કરશે. કારણકે ના, તમે એની પણ નફરત નહિ પામો.

('ઈન્ટરનેટ પરથી')