Showing posts with label 'friendship day'. Show all posts
Showing posts with label 'friendship day'. Show all posts

Saturday, August 3, 2013

(ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ) : સાચી મિત્રતા


જોન એન્ડરસનની પત્ની ડેબી એન્ડરસન તરફથી :

 આજે હું મારા પતિ અને તેમની અદભૂત મિત્રતાની વાત કહેવાની છું. તેમને વ્રુદ્ધો પ્રત્યે પહેલેથી વિશેષ લગાવ રહ્યો છે અને તેઓ તેમના અનેક મોટી ઉંમરના મિત્રોની સહાય કરવા સદભાગી બન્યા છે. પણ આ કિસ્સો  નિરાળો છે.

                મિ.ડેવ્સ અને મારા પતિ જોન લગભગ પંદર વર્ષ સુધી એક તળાવમાં માછલી પકડવા જતાં. તેમની વચ્ચે સારી એવી મિત્રતા બંધાઈ હતી. પણ પાંચ વર્ષ પહેલા જ્યારથી મિસીસ ડેવ્સનું મૃત્યુ થયું ત્યારથી મિ.ડેવ્સ ખૂબ એકલા  પડી ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું અને લગ્નજીવનના ૬૦ વર્ષના સંગાથ પછી એકલતા મિ.ડેવ્સ માટે વજ્રાઘાત સમાન હતી. આથી જોન વારંવાર તેમને ફિશીંગ માટે લઈ જતા. ૮૦ વર્ષની વયે પણ મિ.ડેવ્સ ઘણાં તાકાતવાન હતા અને તેઓ જોન સાથે ફિશીંગ કરવા જતી વખતે ક્યારેય થાકતા નહિ.

વાતનાં થોડાં વર્ષો બાદ અચાનક એક દિવસ મિ.ડેવ્સને પક્ષઘાતનો જબરદસ્ત હૂમલો આવ્યો અને તેમનું આખું જમણું અંગ ખોટું પડી ગયું. તેઓ પોતાની વાચા પણ ગુમાવી બેઠા. તેમને એક દવાખાનામાં દાખલ કરી દેવામાં આવ્યા. ખાટલાવશ થઈ જવાથી અને પોતાની જાતને વ્યક્ત કરી શકવાને કારણે મિ.ડેવ્સ વારંવાર હતાશામાં સરી પડતા અને જોઈ જોન ખૂબ દુ:ખી થઈ જતા.જોને  ડોક્ટર્સને આજીજી કરી આખરે મિ.ડેવ્સને બહાર ખુલ્લામાં લઈ જવાની પરવાનગી મેળવી લીધી. બંને મિત્રોને લાંબા સમય બાદ ફરી સાથે બહાર જવા મળ્યુ હોવાથી તેઓ બંને ખૂબ ખુશ હતાં. પરંતુ મિ.ડેવ્સને ઉપાડી જોનની ગાડીમાં બેસાડવામાં ઘણી તકલીફ  પડતી. મિ.ડેવ્સનું અડધું અંગ લકવાગ્રસ્ત હોવાથી તેમના શરીરના સ્વસ્થ સાજા ભાગ પર ઘણું વજન આવતું હતું.

જોનને જોઈ ઘણી ચિંતા થતી હતી પણ આમ છતાં તે દર ૧૦ દિવસે મિ.ડેવ્સને  પોતાની ગાડીમાં  બેસાડી બહાર ફરવા લઈ જતા. જોને તેમની અતિ પ્રિય ગાડી એક વર્ષ પહેલા ખરીદી હતી. તે એમના કામકાજ માટે ખૂબ અનુકૂળ આવે તેવી હતી અને ખૂબ વેગીલી, મજબૂત અને ટકાઉ હતી.પણ એક દિવસ ઘેર આવ્યા અને મને કહેવા લાગ્યા કે તેમણે ગાડી વેચી દીધી છે જેથી પોતે મોટી વેન ખરીદી શકે જેમાં વ્હીલચેર બેસાડવાની વ્યવસ્થા થઈ શકે એમ હોય. પછી તો અમે સાથે મળીને આવી સુવિધાદાયક ગાડી ખોળવાની  શરૂઆત કરી અને અમને એવી મોટી વેન ગાડી મળી પણ ગઈ. હવે જોને તેના કામકાજ માટે પણ ગાડી વાપરવી પડતી. ભલે તે ખૂબ મજબૂત,ટકાઉ અને ઝડપી નહોતી પણ તેનાથી મિ.ડેવ્સની સુવિધા ઘણી વધી ગઈ અને તેઓ હવે ઝાઝી  તકલીફ વગર મુસાફરી કરી શકતા. જોનને પણ આથી ખૂબ આરામ અને સુખ મળતાં.

આટલું નહિ, જોને મિ.ડેવ્સ સહેલાઈથી વાપરી શકે એવો ખાસ ફિશીંગ રોડ તૈયાર કર્યો  હતો  જેનો ઉપયોગ મિ.ડેવ્સ જોન સાથે તેમના નિયત તળાવે માછલી પકડવા જતી વખતે કરતા. મિ.ડેવ્સ બોલી તો શકતા નથી પણ તેમણે દવાખાનાનાં સ્ટાફમાં એવી માન્યતા પ્રચલિત કરી દીધી છે કે જોન તેમનો સગો દિકરો છે. મિ.ડેવ્સ ૮૬ વર્ષના થયા છે પણ એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય કે આજે તે જોનને કારણે જિવીત છે. મેં હજી સુધી જોન સિવાય એવી કોઈ વ્યક્તિ જોઈ નથી જેણે મિત્રતા ખાતર પોતાની સૌથી વહાલી અને અનેક મુસીબતો વેઠીને પ્રાપ્ત કરેલી ચીજ આટલી સહજતાથી ત્યાગી દીધી હોય. હું આશા રાખું છું કે આમાથી બીજા બધાં સાચી મિત્રતાના અને જરૂરિયાત સમયે મિત્રને મદદ કરવા ગમે તે કરી છૂટવાના પાઠ શીખે.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, August 5, 2012

ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ : સાચા મિત્રો

સાચા મિત્રના ગુણ કયા કયા?

સાચા મિત્રો તમારા સારા સાથી બની રહેતા હોય છે,તેમની સાથે તમને સામાન્ય કામો કરવાની મજા તો આવે જ છે, પણ તેમના સહવાસ માત્રમાંયે તમને આનંદ આવે છે.

સાચા મિત્રો સાથે કયું કામ કરો છો તે ગૌણ બની રહે છે અને તમે તેમની સાથે હોવ તે જ સૌથી અગત્યની બાબત હોય છે.

સાચા મિત્રોની હાજરી તમે ખુશ હોવ ત્યારે તો ઝંખો જ છો પણ તેમની હાજરી તમને કપરા કાળમાંયે શાતા આપનારી બની રહે છે.

સાચા મિત્રો પોતે પણ તમારા સારા સમયમાં તો તમારી સાથે રહેવું પસંદ કરતાં હોય છે પણ તમારા દુ:ખના સમયમાંયે તમારી પડખે ઉભા રહી, તમારો અડગ સહારો બની રહે છે,તમને સમય આપે છે.

સાચા મિત્રો તમારા વિષે તો ઘણું બધું જાણતા જ હોય છે પણ તે તમનેય સાચા અર્થમાં જાણતા હોય છે,તમારા ખરા વ્યક્તિત્વને પિછાણતા હોય છે.

સાચા મિત્રોએ તમારો શ્રેષ્ઠ સમય જોયો હોય છે અને તમારા કનિષ્ઠ સમયમાં સાથ નિભાવી તેનાં પણ એ સાક્ષી બન્યા હોય છે.

સાચા મિત્રો તમારી અકળાવી મૂકનારી આદતો સહન કરે છે,મૂર્ખતા ભરી વાતો સાંભળે છે, ખરાબ ટૂચકા કે રમૂજ પર પણ હસે છે અને તમે તેમને આપેલા વચન ન નિભાવો ત્યારે પણ તેઓ એ સહન કરે છે.એથી બે ડગલા આગળ વધીને ક્યારેક તો તેઓ તમારા તરફથી થયેલી ઉપેક્ષા, ક્રોધ અને અણછાજતી ટીકાટીપ્પણી પણ સહન કરી લે છે.

સાચા મિત્રોએ તમારો શ્રેષ્ઠ સમય જોયો હોય છે અને તમારા કનિષ્ઠ સમયમાં સાથ નિભાવી, તેનાં પણ એ સાક્ષી બન્યા હોય છે.

સાચા મિત્રો સદાયે તમને માફી આપે છે કારણ તેમને મન જે બાબતે તમને ઉશ્કેર્યા તેના કરતાં તમારી દોસ્તીનું મહત્વ વિશેષ હોય છે.

સાચા મિત્રો તમારા પક્ષમાં જ હોય છે અને જ્યારે તમને તેમની જરૂર હોય ત્યારે હંમેશા તેઓ તમારા માટે હાજર હોય છે.

સાચા મિત્રો તમને એક ઉત્તમ કક્ષાના મૂલ્યવાન ચિત્ર સમાન ગણે છે, તમારી સાથે એ રીતે વર્તન કરે છે, તમને બીજાઓ સમક્ષ એ રીતે ચિત્રે છે,વર્ણવે છે.

સાચા મિત્રો તમારી સફળતાઓ માટે ગૌરવ અનુભવે છે, ઇર્ષ્યા નહિં. તેઓ તમારા વ્યક્તિત્વને ઘડે છે અને તમારો વિનાશ નથી નોતરતાં.

સાચા મિત્રો તમે દુ:ખી હોવ ત્યારે તમારી સાથે રડે છે અને તમે ખુબ ખુશ હોવ ત્યારે તમારી સાથે નાચે છે,આનંદપ્રમોદમાં સહભાગી થાય છે.

સાચા મિત્રો તમારું સારું ઇચ્છે છે, તમારામાંથી સારામાં સારું (કૌવત) બહાર લાવે છે અને તમારી પાસેથી પણ સામે સારામા સારું ઝંખે છે.

- માઈકલ જોસેફસન

('ઈન્ટરનેટ પરથી')